ઉદ્ધવ સરકારને મોટો આંચકો, શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અબ્દુલ સત્તારે આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં પડેલી પહેલી ફૂટ સામે આવી છે. એવા અહેવાલો છે કે શિવસેનાના કોટામાંથી રાજ્યમંત્રી  બનેલા અબ્દુલ સત્તારે આજે રાજીનામું આપી દીધુ છે.

ઉદ્ધવ સરકારને મોટો આંચકો, શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અબ્દુલ સત્તારે આપ્યું રાજીનામું

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi)  સરકારમાં પડેલી પહેલી ફૂટ સામે આવી છે. એવા અહેવાલો છે કે શિવસેના (Shivsena) ના કોટામાંથી રાજ્યમંત્રી  બનેલા અબ્દુલ સત્તારે (Abdul Sattar) આજે રાજીનામું આપી દીધુ છે. જો કે રાજીનામું કયા કારણસર આપ્યું છે તે હજુ જાણવા મળ્યું નથી. પણ રાજ્ય મંત્રી તરીકે સામેલ કરાયેલા અબ્દુલ સત્તારની માગણી હતી કે તેમને કેબિનેટમાં સામેલ કરવા જોઈએ. હજુ જોકે સીએમ ઉદ્ધવ ઠાકરેએ સત્તારનું રાજીનામું મંજૂર કર્યું નથી. કહેવાય છે કે તેમની પસંદનું મંત્રાલય આપીને તેમને મનાવવામાં આવી શકે છે. હજુ તો 30 ડિસેમ્બરે ઉદ્ધવ ઠાકરે સરકારનું કેબનેટ વિસ્તરણ થયું હતું. તે વખતે અબ્દુલ સત્તારે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં. 

સૂત્રોના જણાવ્યાં મુજબ તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ બાદથી તેઓ નારાજ હતાં. તેમને એવી આશા હતી કે કેબિનેટ મંત્રીનો તેમને દરજ્જો મળશે. પરંતુ આમ ન થયું અને તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાં. જો કે તેમણે હજુ વિધાયક પદેથી રાજીનામું આપ્યું નથી. 

સત્તાર વર્ષ 2014માં કોંગ્રેસની સરકારમાં મંત્રી રહ્યાં હતાં. પરંતુ 2019માં તેમણે શિવસેના જોઈન કરી હતી. સત્તારના સિલ્લોડ વિધાનસભાથી સતત ત્રીજીવાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યાં છે. વર્ષ 2009 અને 2014માં તેઓ કોંગ્રેસ પાર્ટીથી ધારાસભ્ય રહ્યાં હતાં. વર્ષ 2019માં સત્તાર શિવસેનાની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. કહેવાય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે સત્તારને પાર્ટી વિરોધી ગતિવિધિઓના પગલે સસ્પેન્ડ કર્યા હતાં. 

જાલના અને ઔરંગાબાદમાં કોંગ્રેસે જે લોકોને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યાં હતાં તેમનાથી સત્તાર નારાજ હતાં અને તેમણે ત્યારેબાદ હર્ષવર્ધન જાધવ નામના અપક્ષ ઉમેદવારને ઔરંગાબાદથી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. ત્યારબાદ સિલ્લોહ વિધાનસભા સીટથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અબ્દુલ સત્તારને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતાં. 

જિલ્લા પરિષદની ચૂંટણીને લઈને પણ નારાજ છે અબ્દુલ સત્તાર 
મરાઠાવાડામાં ઔરંગાબાદના ગ્રાઉન્ડ સ્તરના નેતા તરીકે અબ્દુલ સત્તારની ઓળખ છે. હાલ મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદની ચૂંટણી ચાલુ છે અને જિલ્લા પરિષદના અધ્યક્ષ પદે અબ્દુલ સત્તાર પોતાના ઉમેદવારને જીતાડવા માંગે છે. પરંતુ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર કે જેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણેય સામેલ છે તેમણે નક્કી કર્યું છે કે જિલ્લા પરિષદ અધ્યક્ષ કોંગ્રેસનો બનાવવામાં આવે. આ વાતથી પણ સત્તાર નારાજ છે. 

જુઓ LIVE TV

મનાવવાની કવાયત, ઉદ્ધવે સીનિયર નેતાને મોકલ્યા
અબ્દુલ સત્તાર નથી ઈચ્છતા કે ઔરંગાબાદમાં કોંગ્રેસના જિલ્લા પરિષદ સભ્ય બને. સંખ્યા બળને જોતા ઔરંગાબાદ જિલ્લા પરિષદમાં શિવસેના પાસે એટલું સંખ્યાબળ છે કે તે પોતાનો અધ્યક્ષ બનાવી શકે છે. એવા અહેવાલો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મરાઠાવાડાના મોટા નેતા અર્જૂન ખોતકરને અબ્દુલ સત્તારને મનાવવા માટે મોકલ્યા છે. 

પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉત પણ નારાજ?
શિવસેનાના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા સંજય રાઉતની નારાજગીના અહેવોલ વચ્ચે પાર્ટીને આ મોટો ઝટકો મળ્યો છે. પ્રદેશમાં કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાઈ સુનીલ રાઉતને કેબિનેટ મંત્રી તરીકે તેઓ જોવા માંગતા હતાં પરંતુ એવું બન્યું નહીં. કહેવાય છે કે કેબિનેટ વિસ્તરણના શપથ ગ્રહણમાં પણ સંજય રાઉત આ કારણસર સામેલ થયા નહતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news